નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય એટલે સ્ટેશનરી સ્ટોર્સ બહાર વાલીઓની લાંબી લાઈનો, પુસ્તકોની અછત અને કાળાબજારીના દ્રશ્યો હવે ભૂતકાળ બની જશે. રાજ્યના શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ (GSBST) એ વાલીઓ અને વિદ્યાર્થીઓની વર્ષો જૂની આ મુશ્કેલીનો કાયમી ઉકેલ લાવી દીધો છે. હવે રાજ્યના તમામ ધોરણ અને તમામ માધ્યમના પાઠ્યપુસ્તકો ઓનલાઈન ઓર્ડર કરીને સીધા ઘરે મંગાવી શકાશે. આ માટે પાઠ્યપુસ્તક મંડળે ઈ-કોમર્સ કંપની Amazon India સાથે ઐતિહાસિક સમજૂતી કરાર (MoU) કર્યા છે.
Printed MRP પર ફ્રી હોમ ડિલિવરી: વાલીઓ પર એકપણ રૂપિયાનો વધારાનો બોજ નહીં
આ કરારની સૌથી મોટી અને મહત્વની બાબત એ છે કે એમેઝોન પરથી પુસ્તકો ખરીદવા માટે વાલીઓએ કોઈ પણ વધારાનો શિપિંગ કે ડિલિવરી ચાર્જ (Zero Delivery Charge) ચૂકવવો નહીં પડે. પુસ્તક પર જે સરકારી છાપેલી કિંમત (Printed MRP) હશે, તે જ કિંમતે પુસ્તકો ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવશે.
ઘણી વખત ખાનગી દુકાનદારો કે એજન્ટો દ્વારા પુસ્તકો સાથે અન્ય બિનજરૂરી સેટ પધરાવી દેવાની કે વધુ ભાવ વસૂલવાની ફરિયાદો મળતી હતી. પરંતુ હવે સીધા જ પાઠ્યપુસ્તક મંડળના અધિકૃત ઓરિજિનલ પુસ્તકો એમેઝોન પર ઉપલબ્ધ થવાથી પારદર્શિતા આવશે અને વાલીઓની આર્થિક લૂંટ અટકશે.
ખાનગી શાળાના વિદ્યાર્થીઓને સીધો મોટો ફાયદો
પાઠ્યપુસ્તક મંડળ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુસ્તકો આપવામાં આવે જ છે. પરંતુ સ્વનિર્ભર (ખાનગી) શાળાઓમાં અભ્યાસ કરતા લાખો વિદ્યાર્થીઓ માટે મંડળ દર વર્ષે અંદાજે ૧.૫ કરોડથી વધુ પાઠ્યપુસ્તકોનું ઉત્પાદન કરે છે.
અત્યાર સુધી આ પુસ્તકો ખરીદવા માટે વાલીઓએ સ્થાનિક વિક્રેતાઓ પર નિર્ભર રહેવું પડતું હતું. આ નવા ટાઈ-અપથી હવે રાજ્યના અંતરિયાળ ગામડામાં રહેતો વિદ્યાર્થી પણ એક ક્લિક પર પોતાના ઘરે ધોરણ ૧ થી ૧૨ ના તમામ માધ્યમો (ગુજરાતી, ઈંગ્લિશ, હિન્દી વગેરે) ના પુસ્તકો મંગાવી શકશે.
‘Ease of Education’ તરફ રાજ્ય સરકારનું મોટું કદમ
શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, વડાપ્રધાનના ‘ડિજિટલ ઈન્ડિયા’ અને ‘Ease of Living’ ના વિઝનને શિક્ષણ ક્ષેત્રે સાકાર કરવા આ મોટો નિર્ણય લેવાયો છે.
ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પાઠ્યપુસ્તક મંડળના અધિકારીઓ અને Amazon India ના પ્રતિનિધિઓની હાજરીમાં આ કરાર આખરી કરવામાં આવ્યા હતા. એમેઝોનના વિશાળ લોજિસ્ટિક્સ નેટવર્કનો ઉપયોગ કરીને રાજ્યના ખૂણે-ખૂણે સમયસર અને સુચારુ રૂપે પુસ્તકો પહોંચાડવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : 8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! દર 3 મહિને વધી શકે છે DA, પેન્શનમાં પણ બદલાવ
ગુજરાત બોર્ડ (GSBST) ના ધોરણ ૧ થી ૧૨ ના તમામ માધ્યમના સત્તાવાર પાઠ્યપુસ્તકો એમેઝોન પર ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય વાલીઓ માટે ખુબ જ વ્યવહારુ અને રાહતરૂપ છે. સૌથી મોટો ફાયદો એ છે કે કોઈપણ વધારાના શિપિંગ કે ડિલિવરી ચાર્જ વગર માત્ર મૂળ છાપેલી કિંમતે (Printed MRP) જ ફ્રી હોમ ડિલિવરી મળશે, જેનાથી સ્ટોર્સ બહાર કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની મગજમારીમાંથી કાયમી મુક્તિ મળશે. બીજી તરફ, સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓને શાળામાંથી જ મફત પુસ્તકો આપવાની જૂની પદ્ધતિ યથાવત રાખીને સરકારે દરેક વર્ગના હિત જાળવી રાખ્યા છે, જે ખરેખર એક સક્ષમ અને સરાહનીય નિર્ણય છે.
