દિવ્યા મિત્તલimage credit by navbharat times

દેશમાં દર વર્ષે લાખો યુવાનો ભારતીય વહીવટી સેવા (IAS) માં જોડાવાના સ્વપ્ન સાથે દિવસ-રાત એક કરી દે છે. પરંતુ, બીજી તરફ ઉત્તર પ્રદેશ કેડરના 2013 બેચના અત્યંત સક્ષમ, નીડર અને લોકપ્રિય આઈએએસ અધિકારી દિવ્યા મિત્તલ (Divya Mittal) એ સ્વેચ્છાએ રાજીનામું આપીને સમગ્ર વહીવટી આલમ સહિત સોશિયલ મીડિયા પર સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

પરદેશની ભૌતિક સુખ-સુવિધાઓ અને લાખો રૂપિયાનું વાર્ષિક પેકેજ છોડીને માતૃભૂમિની સેવા કરવા માટે સિવિલ સર્વિસમાં આવેલા દિવ્યા મિત્તલે પોતાની 13 વર્ષની યાદગાર અને પ્રેરણાદાયી કારકિર્દી પર વિરામ મુક્યો છે.

IIT, IIM અને લંડનમાં કરોડોનું પેકેજ છોડી શા માટે બન્યા IAS?

દિવ્યા મિત્તલનો ઉછેર એક અત્યંત સામાન્ય પરિવેશમાં થયો હતો. બાળપણથી જ ભણવામાં અત્યંત તેજસ્વી દિવ્યાએ દેશની સર્વોચ્ચ સંસ્થાઓ IIT Delhi માંથી ગ્રેજ્યુએશન અને ત્યારબાદ IIM Bangalore માંથી MBA નો અભ્યાસ પૂર્ણ કર્યો.

અભ્યાસ બાદ તેમને બ્રિટનની રાજધાની લંડન ખાતે વૈશ્વિક ફાઇનાન્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની JPMorgan માં એસોસિએટ તરીકે જોબ મળી. લંડનમાં ઊંચો પગાર, આરામદાયક જીવન અને સ્ટેટસ હોવા છતાં, તેમનું મન સતત વતન તરફ ખેંચાતું હતું.

પોતાના નિર્ણય અંગે વાત કરતા તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું:

“બધું જ મેળવી લીધા પછી પણ અંદરથી કંઈક ખૂટતું હોય તેમ લાગતું હતું. દેશથી દૂર રહેવું મને સતત સાલતું હતું. મારું શિક્ષણ, મારો આત્મવિશ્વાસો અને મારી શક્તિ — આ બધું જ મારી માતૃભૂમિનું ઋણ હતું. એ ઋણ ચૂકવવું જરૂરી હતું. હું ઈચ્છતી હતી કે જે ભારતના નિર્માણનું સ્વપ્ન મેં જોયું હતું, તેને સાકાર કરવામાં મારો પણ નાનો ફાળો હોય.”

આ જ ભાવના સાથે તેઓ ભારત પરત ફર્યા, યુપીએસસી (UPSC) ની કઠિન પરીક્ષા પાસ કરી અને 2013 માં ઉત્તર પ્રદેશ કેડરના આઈએએસ અધિકારી બન્યા.

મિર્ઝાપુરમાં 75 વર્ષ પછી પાણી પહોંચાડ્યું: એક વૃદ્ધાના આશીર્વાદે બદલી નાખ્યો દ્રષ્ટિકોણ

પોતાની 13 વર્ષની સફર દરમિયાન દિવ્યા મિત્તલે દેવરિયા (Deoria), મિર્ઝાપુર (Mirzapur) અને સંત કબીર નગર (Sant Kabir Nagar) જેવા જિલ્લાઓમાં કલેક્ટર (DM) તરીકે સેવાઓ આપી. તેઓ માત્ર કાગળ પર નહિ, પરંતુ જમીની સ્તર પર જઈને નિર્ણય લેવા માટે જાણીતા હતા.

મિર્ઝાપુરના ડીએમ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે હલિયા બ્લોકના અંતરિયાળ પહાડી ગામ ‘લહુરિયા દહ’ (Lahuriya Dih) માં આઝાદીના 75 વર્ષ પછી પહેલીવાર પાઇપલાઇન દ્વારા પીવાનું ચોખ્ખું પાણી પહોંચાડીને ઇતિહાસ રચ્યો હતો. તે ઘટનાને યાદ કરતા તેમણે લખ્યું:

“લહુરિયા દહ ગામમાં જ્યારે પહેલીવાર પાણી પહોંચ્યું, ત્યારે એક વૃદ્ધાએ કંઈ પણ બોલ્યા વિના માત્ર પોતાના ધ્રૂજતા હાથે મારા માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા. આજે સરકારી હોદ્દો તો છૂટી ગયો, પણ એ માજીનો સ્પર્શ અને આશીર્વાદ આજીવન મારી સાથે રહેશે.”

‘સરકારી ફાઇલ પાછળ એક જીવંત માણસ છે’ – ભાવુક વિદાય સંદેશ

પોતાની વિદાય પોસ્ટમાં દિવ્યા મિત્તલે લખ્યું કે દેવરિયામાં સેવા આપતી વખતે તેમને સમજાયું કે હંમેશા સત્ય અને ન્યાયની સાથે ઊભા રહેવું એ વિકલ્પ નથી પણ ફરજ છે. મિર્ઝાપુરે તેમને શીખવ્યું કે ‘અશક્ય’ એ કોઈ હકીકત નથી પરંતુ માત્ર એક અભિપ્રાય છે.

તેમણે ઉમેર્યું કે, “હું મૂર્ખ હતી જે શરૂઆતમાં વિચારતી હતી કે સિવિલ સર્વિસમાં હું સમાજને કંઈક આપવા આવી છું. સાચું તો એ છે કે મેં અહીંથી સૌથી વધુ મેળવ્યું છે – જનતાનો અપાર પ્રેમ, સ્નેહ અને વિશ્વાસ. દરેક સરકારી ફાઇલ પાછળ એક જીવંત માણસ છે, અને તેની ગરિમા (Dignity) જાળવી રાખવી એ જ સાચો ન્યાય છે.”

અંગત જીવન અને આગળની સફર

દિવ્યા મિત્તલના પતિ ગગનદીપ સિંહ પણ ઉત્તર પ્રદેશ કેડરના આઈએએસ અધિકારી છે. બંનેએ લંડનમાં સાથે કામ કર્યા બાદ ભારત આવીને એકસાથે UPSC ની તૈયારી કરી હતી અને સફળતા મેળવી હતી. દિવ્યા મિત્તલ સોશિયલ મીડિયા પર અત્યંત સક્રિય છે અને યુવાનો તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન પૂરું પાડે છે. તાજેતરમાં જ તેમની એક પુસ્તક પણ પ્રકાશિત થઈ છે.

રાજીનામું આપતા પહેલા તેઓ યુપી સરકારના મહેસૂલ વિભાગ (Revenue Department) માં વિશેષ સચિવ તરીકે સેવા આપી રહ્યા હતા. તેમણે અચાનક સ્વેચ્છાએ રાજીનામું કેમ આપ્યું તે અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી, પરંતુ સોશિયલ મીડિયા પર લોકો તેમના આ 13 વર્ષના સફળ, પારદર્શક અને લોકભોગ્ય કાર્યકાળને બિરદાવી રહ્યા છે.

Share this post:

By vk galsar

hii i am journalist and storyteller specializing in news. With over 5 years of experience, they love turning complex topics into deeply narratives.